
હું જે બોલી ના શકી, આજે લખવા જઇ રહી છુ. દરેકના જીવન નો સુવર્ણકાળ, એ બાળપણ ના સંસ્મરણો નો ખજાનો એટલે આપણી શાળા.ચલો, શબ્દો ની સાઇકલ પર સવાર થઈ એ મજેદાર સમયમાં ફરી ચક્કર મારીએ.
આહ!મારી એ શાળા..
જ્યારે આંખો બંધ કરૂ છું,યાદ આવે છે
એ સ્કૂલ ના દિવસ,
એ બોર્ડ પર ચોક થી લખેલા સુવિચાર,
બેન્ચ પર કોતરાયેલા મનનાં વિચાર,
મિત્રો સાથેની મીઠી તકરાર,
ને મારા આખા બાળપણની સાક્ષી,
સુંદર એવી તે ચાર દિવાલ.
શાળાના પહેલા જ દિવસે પપ્પા ને હસતા હસતા “તમે જતા રહો”એમ કહી દીધુ હતુ.એટલો તો પ્રેમ હતો મને મારી શાળા પર,
જયાં રવિવારે પણ તાળું જોઈને જ માનતી કે આજે રજા છે,
ત્યારે લાગી આવતું,આ રવિવાર પણ
કેવી સજા છે!!!!
તને વ્હાલી કહું, કે કહું મારી ખુશી નું સરનામું
તું જ્ઞાન નું મંદિર,મિત્રો ને મળવાનું બહાનું.
શબ્દો પણ ઓછા પડે,
કેમ વર્ણવુ તને મારી શાળા!
જોને તારી વાત કરતા,
આજેય આંખ માંથી આંસુ છલકાણા.
વિઘ્યાર્થી જીવન એ સુવર્ણકાળ કહેવાય છે, એમાંય શાળાની વાત તો કાંઇક અલગ જ હોય છે.તાજા,કુમળા,મૃદુ, હજી હમણાં જ ખીલેલા અતિ સુગંધિત પુષ્પ જેવું બાળક જ્યારે શાળામાં પ્રવેશ લે,તયારે તેનો DEVELOPMENTAL PHASE શરુ થાય છે અને સાથોસાથ જીવનભર માટે જ્ઞાન અને ખાટી-મીઠી યાદો નું ભાથું ભરાય છે.
મારી એ શાળા જયાં હું પુસ્તકોમાંથી પણ એટલું જ શીખી,જેટલું મારી ભૂલો થી.શિક્ષકોના ગુસ્સામાં એક અલગ જ મમતા હતી, ને દરેક વિદ્યાર્થીમાં થોડી “રાજા” વાળી ભાવના અમથા જ હતી.
જયાં વિષયોમાં રસ ભરીને પીરસવામાં આવતા,જયાં કોઈ રડતા બાળકને મિત્રો દ્વારા હસાવવામાં આવતા.જ્યાં એક ડબ્બામાંથી દસ હાથ ખાતા, ને એ ડબ્બા ભરી આપતા દરેક માઁના હૈયા હરખાતા!
જ્યાં યુનિફોર્મ પહેરીને સૌ સરખા જ લાગતા,પણ દરેકની ઓળખ માટે તેને
ખોટા નામ અપાતા.જ્યાં રીસેસમા ઝાડ નીચે ટોળું વાળીને રમત માટે પ્રપંચ ઘડાતા , પણ મિત્રતા તોડી શકે એવાં કોઈ શાસ્ત્રો મળ્યા જ ન હતા !
મારી શાળામાં દિવસની શરૂઆત સમુહપ્રાર્થનાથી થતી ને પછી શિક્ષકો ખંજરી લઇને સરસ મજાના અભિનયગીતો શીખવાડતા!રમતા-રમતા હું કેટલુંય શીખી ગઇ એની મને ખબર જ ના રહી. શાળા એ દેશનું સૌથી મોટું Institution હોય છે,જ્યાં દેશના ભાવિનું નિર્માણ થતું હોય છે. દરેક વિદ્યાર્થીમાં તેજસ્વીતા છલકાય, તે સાથે તેનું ચારિત્ર્ય ઉત્તમ કઇ રીતે બને, તેની શાળા કાળજી લેતી હોય છે.
દરેક વિદ્યાર્થી, તેની શાળાના પ્રતિબિંબ સમાન હોય છે.
મારી શાળામાં જ્યારે મારો વાંક લાગતો, ત્યારે મારા શિક્ષકો મને સજા પણ કરતા.હા થોડુ ખરાબ લાગતું,પણ તેમણે આપેલી સજાનાં લીધે જ્યારે હું “કરી બતાવીશ”એવાં જોશ સાથે કામ કરતી અને શ્રેષ્ઠ પરિણામ લાવતી,ત્યારે મને તેમણે આપેલી સજાનો સાચો અર્થ સમજાતો!દરેક વિધાર્થી અલગ હોય છે.તેનામાં રહેલી ખૂબીઓ, ખામીઓ શું છે, તે તેના શિક્ષક જાણતા હોય છે.તેનામાં રહેલી કુટેવોને તેઓ નીચોવીને કાઢી લેતા હોય છે, અને તેનમાં રહેલી અદમ્ય શક્તિઓ તે વહેતી મુકી શકે, તેનાં માટે અવસરો પૂરા પાડતા હોય છે.મુસીબતો તો આવવાની જ, પણ “उत्तीष्ठ कौन्तेय” ના નાદ ની જેમ, તેને અડચણો સામે લડવા સમર્થ કરતા હોય છે.
મારી એ શાળા, જ્યાં પરીક્ષાઓ આપીને મને પોતાના પર વિશ્વાસ રાખતાં આવડ્યું, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને, મને મારી કળાઓ વિકસાવવાનો અવસર મળ્યો. એ શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત રહેતી.
વેશભૂષા,વક્તૃત્વ સ્પર્ધા ,સંગીત અને ચિત્રકળા, રમતોત્સવ જેવી અસંખ્ય પ્રવૃત્તિઓથી ભણતર સાથે ગણતર લાવતી.
આ બધા કાર્યક્રમોથી જ તો TEAM SPIRITનું મહત્વ સમજાય!
દરેક વસ્તુ વર્ગખંડ માં જ નથી શીખવાડવામાં આવતી.શાળા એ એક અવિરત ચાલતું રહેતું એક જાતનું Processing છે જ્યાં આપણે કંઇક સ્વીકારતા હોઇએ છીએ ,તો કંઇક પાછળ છોડતા હોઇએ છીએ.
વાણી હોય કે વાણિજ્ય, ગણિત હોય કે ગણતર, સ્પોર્ટ્સ હોય કે સંબંધો, જીવનનાં દરેક પાસામાં શિક્ષણથી જ સમૃદ્ધિ મળે છે.
મતભેદોને મનભેદ ના બનવા દેવા, એતો કોઇ બાળકો પાસેથી શીખે! દરેકનાં મનનાં ચિત્રપટ પર કંઈક નવું જ અંકાયેલું હોય તો પણ એકતા નથી તુટતી હોતી!એકબીજાને ગમતા રહેતા ,આગળ ધસમસતા રહેતા ,મને મારી શાળા એ શીખવાડ્યું.બાળપણનાં સંસ્મરણો તો જેટલા વાગોળીએ એટલો સમય ઓછો પડે! તો આ chapter હવે close કરીએ. ફરી આમ જ ક્યારેક યાદોનાં વમળમાં, શબ્દો નાં વહાણ લઇ મળશું.ત્યાં સુધી દરેક ક્ષણને સુખની સાક્ષી બનાવતા રહો!!
-પ્રાચી પ્રણવભાઇ જોષી